Translate

गुरुवार, अगस्त 28

ગુજરાતી કોની કોની

મારું નામ મહેશ સોની છે. હું ગુજરાતીમાં અભણ અમદાવાદી અને હિન્દીમાં કુમાર અહમદાબાદીના નામથી ગઝલો,કાવ્યો, લેખો, વગેરે લખું છું. મારા પિતાએ ૫૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં રોજગાર માટે બિકાનેરથી અમદાવાદ સ્થળાંતર કરેલું. પિતાની પહેલાની ચોથી પેઢીના દાદાએ ફલોદી [રાજસ્થાન]થી બિકાનેર સ્થળાંતર કરેલું. મારો જન્મ બિકાનેરમાં થયો છે. 

મારું શિક્ષણ ઘડતર અમદાવાદમાં થયું છે. ઘરમાં રાજસ્થાની બોલાય છે. શુભાશુભ પ્રસંગે બિકાનેર જવાનું થાય છે. આ મારી સાંસ્કૃતિક ભાષાકીય પૃષ્ઠભૂમિ છે. સ્મરણશક્તિની શરૂઆત થઇ એ પહેલાથી હું અમદાવાદમાં છું. અમદાવાદના રાયખડ વિસ્તારમાં બાળપણ વીત્યું. એ વિસ્તારમાં ત્રણ જ સોની કુટુંબો હતા. એ સમયે તે વિસ્તારનું વાતાવરણ મનમોહન દેસાઈની ફિલ્મ અમર અકબર એન્થોની જેવું ધાર્મિક સુમેળવાળું હતું. તમામ ધર્મોના લોકો ત્યાં રહેતા હતા. બધા ધર્મોના તહેવારો ધૂમધામથી ઉજવાતા. મારા મિત્રોમાં હિંદુ, મુસ્લિમ, પારસી હતા. એક યહૂદી કુટુંબ પણ રહેતું હતું. હું ઘરમાં રાજસ્થાની અને બહાર ગુજરાતી બોલતા શીખ્યો. આમ, ગુજરાતી ભાષા સાથે મારી પ્રથમ મુલાકાત રાયખડમાં થઇ. ગુજરાતીમાં લખાણનો પહેલો અનુભવ જણાવું તો, મેં કક્કો ઘૂંટેલો એ દિવસ એ ક્ષણ મને યાદ છે. મને એલનબેનના બાળમંદિરમાં દાખલ કરાયેલો. પહેલા દિવસે થોડીવાર રમાડ્યા પછી એમણે મારી સ્લેટમાં 'ક' લખી આપ્યો. મને એની ઉપર લખવાનું [ઘૂંટવાનું]કહ્યું. મને યાદ છે. મેં આખો દિવસ કક્કો ઘૂંટેલો. ઘૂંટાતા ઘૂંટાતા ક જાડો થઇ જતો ત્યારે એલનબેન નવો ક લખી આપતા. તે દિવસે ગુજરાતીમાં લખવાની શરૂઆત થઇ. 

 ૭૦ના દાયકામાં શિક્ષણ આગળ વધ્યું. વાંચનનો શોખ લાગ્યો. એ દાયકામાં ગુજરાત સમાચારમાં આવતી કુમારપાળ દેસાઈની કોલમ 'ટેસ્ટ ની સાથે સાથે' નિયમિત વાંચતો. કદી'ક વિચારતો ય ખરો. કેવું અદ્ભુત લખે છે. હું ય આવું લખી શકું તો? મઝા આવી જાય. ભલે છાપામાં નહિ. મારા પ્રશ્નપત્રોના જવાબ આટલી સરસ રીતે લખી શકું તો વટ પડી જાય. એ દાયકામાં રહેઠાણ વિસ્તાર બદલાયો. જુદા જુદા કારણોસર નિશાળો બદલાઈ [હું ૬ નિશાળોમાં ભણ્યો છું. કહી શકું કે ઘાટ ઘાટનું પાણી પીધું છે!!!!] શિક્ષણ દરમ્યાન વ્યાકરણમાં ખુબ રસ હતો. એમાં બહુ મઝા આવતી. ભાવવાચક, કર્મવાચક, ક્રિયાવિશેષણ, કર્તરી, કર્મણિ આજે બહુ ઉપયોગી થઇ રહ્યા છે. ત્યારે ભણેલું વ્યાકરણ આજે કામ લાગી રહ્યું છે. પરીક્ષા સમયે વખતે ભાષાના પ્રશ્નપત્રો લખતી વખતે વ્યાકરણ વિષયક જવાબો સૌથી પહેલા લખતો. શાળા જીવન દરમ્યાન પુસ્તકાલયમાંથી મળતા પુસ્તકો [ખાસ કરીને નવલકથાઓ] રસપૂર્વક વાંચ્યા છે. ધૂમકેતુની ગુપ્ત અને મૌર્ય સામ્રાજ્ય વિશેની નવલકથા શ્રૃંખલા ઘણીવાર વાંચી છે. વર્તમાનપત્રોમાં આવતી નવલકથાઓ પણ વાંચી છે. 'આશ્કા માંડલ' આજે પણ નથી ભુલાઇ. ૭૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મોએ મને લોકસંગીત, તળપદા શબ્દો અને લહેકાથી પરિચિત કરાવ્યો. 


પણ..... ૮૧ માં અભ્યાસ છોડી દેવાના કારણે શિક્ષણ સાથેનો પ્રત્યક્ષ સેતુ તૂટી ગયો. જો કે ભાષા સાથેનું જોડાણ કાયમ રહ્યું ગુજરાતીમાં ભણ્યો હોવાથી ઘર સિવાય બીજે બધે ગુજરાતીમાં બોલવાની ટેવ હતી અને છે. ડાયરી પણ ગુજરાતીમાં જ લખું છું. સાહિત્ય પ્રત્યે લગાવ હોવાથી કાવ્યો, ગીતો વગેરે ડાયરીમાં કે નોટમાં ઉતારતો ત્યારે ગુજરાતીમાં જ ઉતારતો. વાંચન પણ ઘણું ખરું ગુજરાતીમાં જ થતું અને થાય છે. ૯૦ ના દાયકામાં બ્રેક ડાન્સ શીખી શો કરવા ગુજરાતમાં ફર્યો ત્યારે ગુજરાતી ફિલ્મો દ્વારા જાણવા મળેલા તળપદા લહેકા, શબ્દોથી રૂબરૂ થયો. એ સિવાય ગ્રામીણ જીવન જોયું. જો કે સંજોગોના કારણે સ્ટેજ ક્ષેત્ર છૂટી ગયું. 

 મહત્વપૂર્ણ વળાંક ૨૦૦૩માં આવ્યો. તે વર્ષે એમ.જે. પુસ્તકાલયમાં ચાલતા 'કાવ્ય-ચોરા'માં જોડાયો. ચોરામાં જોડાયા પછી બાળપણમાં લખવા વિષે વિચારેલું યાદ આવ્યું. તે પછી લેખન વિષે ગંભીરતાથી વિચાર્યું. કાવ્યોમાં, કાવ્ય શાસ્ત્રમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું. કાવ્યો ખાસ કરીને ગઝલો તરફ ઝોક વધતો ગયો. દુષ્યંતકુમાર અને શૂન્ય પાલનપુરીની ગઝલો એ મન પર સૌથી વધારે અસર કરી છે. બંને મારા આદર્શ છે. શૂન્યના ઉપનામથી પ્રભાવિત થઇ 'અભણ' ઉપનામ રાખ્યું. શૂન્યે પોતાના ઉપનામ ના ઉપયોગ દ્વારા જે રીતે દાર્શનિક વિચારો રજુ કર્યાં છે એ અદ્ભુત છે. કાવ્યોને મઠારવા માં ઘણા મિત્રોએ મદદ કરી છે. ડો.ગોવિંદભાઈ શાહ, ડો. બેચરભાઈ પટેલ, બલદેવ દાદા, અક્સ લખનવી, તૌફીક ભાઈ, ફારુક કુરેશી, સેવારામ ગુપ્તા, ડો. કિશોર કાબરા, ભગવાન દસ જૈન[જૈન સાહેબ ગુરુ સમાન છે] એ વ્યક્તિઓ છે જેમણે આ પત્થરને મુરત બનાવવાનું કાર્ય કર્યું છે. નટવરભાઈ ગોહેલે કાવ્યો પછી બાળકાવ્યો બાળવાર્તાઓ અને આસ્વાદ તરફ વાળ્યો. એ દરમ્યાન ગુજરાતી લેખક મંડળમાં જોડાયો. મંડળની સંચાલન સમિતિના અધ્યક્ષ યશવંત દાદા [એમની સાથે ઓળખાણ ચોરામાં થયેલી] નું માર્ગદર્શન મળતું રહ્યું છે. અહી ઉલ્લેખ કર્યો છે એ સિવાય પણ ઘણા મિત્રો એ જરૂરી પ્રેરણા બળ અને માર્ગદર્શન પુરા પાડ્યા છે. માર્ગદર્શક મિત્રો એ સમજણ આપી. ઘટનાઓ અને જીવનના અનુભવો દ્વારા ઘડાયેલી વિચારધારા સરળ અને આદર્શ લખાણ કોને કહેવાય? સામાન્ય માનવીની સમસ્યાઓ પર કેવી રીતે પ્રકાશ પાડી શકાય. એક લેખક તરીકે આપણી જવાબદારીઓ અને મર્યાદાઓ શું છે. સામાજિક પરિવર્તન લાવવામાં લેખક ની ભૂમિકા શું છે? કેમ મહત્વપૂર્ણ છે. આવા અનેક મુદ્દાઓ વિષે સમજણ આપી છે. ભાષા એની જે એને સ્વીકારે પ્રેમ કરે. જે વ્યક્તિ જે ભાષા બોલે છે લખે છે ભાષા એની છે. અમુક ફેસબુક મિત્રો એવા છે જે ગુજરાતી કે હિન્દી બોલી શકે છે પણ મૂળ લીપીમાં લખી નથી શકતા. તેઓ અંગ્રેજી લીપીમાં લખે છે. ભાષા એમની પણ છે. ભાષાને વહીવટી વ્યવસ્થા માટે બનાવેલી સરહદો નડતી નથી. શુદ્ધ ભાષાની વ્યાખ્યા કરવી લગભગ અશક્ય છે. જે ભૂમિ પર બાર ગાઉ એ બોલી બદલાતી હોય ત્યાં શુદ્ધતા, અશુદ્ધતા કે સર્વ સ્વીકૃતના ધોરણ કેવી રીતે નક્કી કરી શકાય? કોણ નક્કી કરી શકે? કોણે નક્કી કરવા જોઈએ? સાર્થ જોડણી કોશમાં વાજબી શબ્દ છે વ્યાજબી નથી. સામાન્ય બોલચાલમાં વ્યાજબી શબ્દ છૂટથી વપરાય છે. ફેસબુક મિત્ર પારુલ ખખ્ખરે એક ગઝલમાં ભાટકયો શબ્દ વાપર્યો હતો. મને એમ કે ટાઈપ ભૂલ છે. ભટક્યો ના બદલે ભાટકયો ટાઈપ થયું છે. મેં પૂછ્યું તો એમણે સ્પષ્ટતા કરી ભાટકયો શબ્દ છે. ભગવદ ગો મંડળમાં એનો ઉલ્લેખ છે. ખરેખર તો ભાષામાં પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિવર્તનની પ્રક્રિયાને કે વિવિધ લહેકાઓ થી બોલાતી ભાષાને શુદ્ધ કે અશુદ્ધ કહેવી એ ખોટું છે. આજે જેમ સમાજમાં અનેક આર્થિક સ્તર છે. ભાષા ક્ષેત્રે પણ એવું જ છે. એક સ્તરમાં ફૂટપાથ પર રહેતા તથા શાકભાજીવાળા, લારીવાળા વગેરે છે. અન્ય સ્તરોમાં, તળપદા વિસ્તારોમાં રહેતો, કોલેજમાં ભણતો, કોર્પોરેટ ગૃહો સાથે સંકળાયેલો, નાના શહેરોમાં વસતો, ઈન્ટરનેટમાં સોશ્યલ સાઈટસનો ઉપયોગ કરતો; એમ અનેક વર્ગો છે. હા, લેખકો, બૌદ્ધીકો, કવિઓ, પત્રકારો, જેવા શબ્દ સાથે જોડાયેલા લોકોનો વર્ગ પાછો જુદો. આ તમામ વર્ગો પોતપોતાના અંદાજથી ગુજરાતી બોલે છે. કોઈ હિન્દી મિશ્રિત તો કોઈ અંગ્રેજી મિકસ ગુજરાતી બોલે છે. આમાં પણ વિવિધતા હશે જ. મહત્પૂર્ણ એ છે કે બધા ગુજરાતી બોલે છે. ઉપર ભાષા શુદ્ધિની વાત કરી છે. એના વિષે વાત કરી લેખ પૂરો કરું છું. ભાષાનો મૂળ હેતુ એક વ્યક્તિના વિચાર, મુદ્દા, લાગણીને અન્ય સુધી પહોંચાડવાનો છે. વ્યાકરણ, જોડણી, ઉચ્ચારોની શુદ્ધતા વગેરે એમાં સહાયક છે. સર્વેસર્વા નથી, સામાન્ય માનવી વ્યાકરણ વગેરેના સભાન ઉપયોગ વગર આ કાર્ય કરી શકે છે. તે પોતાની વાત અન્ય સુધી પહોંચાડી શકે છે. લેખકોએ 'સહાયકો'નો ઉપયોગ જરૂર કરવો જોઈએ પણ તે સર્વેસર્વા નથી એ યાદ રાખવું જોઈએ. 

 છેલ્લે ભાષા ઘણા સ્તરે બોલી રહી છે લખાઈ રહી છે. ભાષા એની છે જે ભાષાનો છે. જે ભાષાને પ્રેમ કરે છે એના મહત્વને જાણે છે.
ગુજરાતી લેખક મંડળના મુખપત્ર 'લેખક અને લેખન' દ્વારા આયોજિત પત્ર પરિસંવાદ 'ગુજરાતી કોની કોની' માટે લખેલો લેખ

 

આ પરિસંવાદ માટે એવા લેખકોને નિમંત્રણ અપાયું છે જેમના મૂળ ગુજરાતમાં નથી. પણ ગુજરાતીમાં લખે છે

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी