ગામને પાદર જઈને તમે પુછોકે ભગો ભજિયાવાળો ક્યાં રહે એટલે નાનું છોકરું પણ તમને એનાં ઘરે લઇ જાય. ઉમર હશે લગભગ 55 ની આજુબાજુ. ગામની મોટી ફળીમાં એનું ઘર. જૂની ખખડધજ ડેલી, ડેલી ખોલો એટલે તમને ડાબી બાજુ એક ગાય બાંધેલી દેખાય, જમણી બાજુ એક જૂનાં જમાનાનું કેરોસીનથી હંકાવીને ને ભાઠા જેવું થઇ ગયેલું રાજદૂત દેખાય. ડેલીની બરાબર સામે બે ઓરડાનું એક મકાન. એકમાં સદાય જૂનાં જમાનાનું તાળું વાસેલું હોય. એક ઓરડો ખુલો હોયને, એમાં ઢાંળેલો હોય ઢોલિયો અને એમાં ભગો સૂતેલો દેખાય. ઓશરીની જમણી બાજુ એક નાનું એવું રસોડું,રસોડાની બહારની બાજુએ તુલસીનો ક્યારો!! મકાનની આથમણી કોર્ય ખુલી જગ્યા ત્યાં એક નાનકડી કુઈ જેવું એની પર પાણીની એક ડંકી!! ડંકી પાસે એક ગાગર અને હાંડો પડેલા હોય.. ડંકીની પાસે જ એક કાચું નાવણીયુ..ત્યાં બારણા પર એક રૂમાલ અને ભગાના મેલા લૂગડાં હોય!! એક લીંબુડી અને એક બદામ અને બે મોટા લીમડા ના ઝાડ!!
વશરામ મુખીએ આજથી 50 વરસ પહેલા બાજુના ગામની ઉજી સાથે ઘરઘરણું કરેલું. અને ભગો આંગળીયાત તરીકે આ ગામમાં આવેલો. મુખીને બીજું કાંઈ સંતાન હતું નહિ. ભગો લગભગ 10 વરસનો હતો ત્યારે ઉજી ભગવાન ને ધામ પહોંચી ગયેલી એટલે ભગાનો ઉછેર વશરામ મુખીને માથે આવી પડ્યો,અને મુખીએ બરાબર નિભાવ્યો પણ ખરો. વશરામ મુખી રસોઈનાં જાણકાર! દિવાળી પર આખા ગામનું બરફી ચુરમું, મોહનથાળ અને જલેબી એ બનાવતાં!! કોઈના ઘરે સીમંતથી માંડીને દીકરા કે દીકરીનું વેવિશાળ હોય તો મુખીનેજ રસોઈયા તરીકે બોલાવતાં!! અને મુખી પણ આંગળા ચાટી જાય એવી રસોઈ બનાવતાં!! નાનપણ થી જ ભગો મુખી સાથે જ હોય એટલે ભગાને પણ નાનપણથી જ આ ગુણ વારસામાં મળ્યો એમ કહેવાય. મુખી ભજીયા સરસ બનાવતાં,વાર તહેવારે, લગ્ન પ્રસંગે જયારે મુખી ભજીયા બનાવવા જાય ત્યારે ભગો ભેગો ને ભેગો હૉય.. ગામલોકો મજાકમાં કહેતા કે "વશરામ મુખીને બે દીકરા છે એક ભગો ને બીજા ભજીયાં" અને વાત પણ સાચી હતી, મુખીને મન ભગો ને ભજીયાં બેય સરખા જ વ્હાલાં!!
ભગો જ્યારે અઢારેક વરસનો હતો ત્યારે મુખી દેવ થઇ ગયેલાં અને ભગો આ ઘરમાં ત્યારથી એકલો જ રહે છે. રસોઈ તો આવડતી જ હતી એટલે જ એણે લગ્ન ના કર્યા કે કોણ જાણે શું ખબર કે એને લગ્ન કરવાનું મન પણ ના થયું. હવે તો ગામ આંખમાં એ રસોડા કરે ને ખાસ તો એ ભજિયાનો સ્પેશ્યાલીસ્ટ થઇ ગયો. એ અલગ પ્રકારનાં ભજીયાં બનાવતો, આખા મરચાંના, મરચાની કટકીના, મેથીના, લસણીયા, ડુંગળીના, કોબીજ અને ફ્લાવરનાં, પટ્ટીના રતાળુના લીલી મકાઈના કોબીજના, ખજૂરના કુંભણીયા!!આમ ઘણી જાતનાં ભજીયાં એણે પોતાની કોઠાસૂઝથી પ્રયોજેલા, ગમે ત્યાં રસોડું હોય,ગમે તેનું હોય,ગમે એટલાનું હોય,ગમે ઈ ટાણે હોય ભજિયાની ચુલ પર તો ભગો જ હોય.!! ગામ તો શું આજબાજુના બાર ગાઉની સીમ સુધી ભગાનાં ભજીયાં પ્રખ્યાત થઇ ગયેલાં.હવે તો ભગો બહારગામ પણ ભજીયા બનાવવા જતો અને પછી તો એનું નામ જ ભગો ભજીયાવાળો પડી ગયેલું!! પછી તો એવું બનેલું કે ભગો જાનમાં ગયો હોય ને તો પણ એ ઉતારેથી ઠેઠ રસોડે પોગી જાય અને ભજિયાની ચુલે બેસી જાય. કોઈની ઢગમાં ગયો હોય તો વેવાઈને ઘરે રસોડામાં પણ ભગો ભજીયાં બનાવતો હોય. કોઈના કારજમાં ગયો હોયને તો પણ ભગો ભજીયાના તાવડે બેસી જાય!! આજુબાજુમાં ક્યાંય પણ કથા કે સપ્તાહ બેઠેલી હોય તો ત્યાં પણ રસોડામાં તમને ભજીયા બનાવતો ભગો દેખાય જ!! ભગાની ભજીયાની કારીગરી જોઇને ઘણાં સ્થાનિક રસોઇયા ઘણું ધ્યાન રાખે પણ ભગા જેવા ભજીયાં એનાથી કોઈ કાળે ના થાય. કોઈ પૂછતાં કે ભગા ભાઈ અમારાથી તમારા જેવા ભજીયાં કેમ ના થાય ત્યારે ભગો જવાબ આપતો કે અમુક વસ્તુ અંદરથી આવે, ટાઢિયો તાવ, દિલની દાતારી, બહાદૂરી અને મારા ભજીયાં...!! ભજીયાં તો મારા લોહીમાં છે ભાઈ...!! ભજીયાં ને તો મેં મારું જીવતર આપી દીધું છે.. જેમ નરસિંહ મહેતા એ કીધેલું કે "બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે" એમ "ભજીયાં લટકા કરે ભગા પાસે" એ પણ એટલું જ સાચું..!!
ઘરે ભગો બધું જ કામ પોતે એકલો કરતો. સવારમાં એ અડધો કળસ્યો ચા પીતો અને બાકીનું દૂધ એ મેળવી દેતો. કપડાં હાથે ધોઈ નાંખે બપોરે શાક રોટલો બનાવી નાંખે, અને સાંજે એ લગભગ ઘરે જમતો નહિ કારણ કે ગામની કે પરગામની વાડીયું માં રાતે ભજિયાનો પ્રોગ્રામ તો હોય જ!! પ્રોગ્રામ વાલા તો અલગ અલગ હોય પણ ભગો એમાં કોમન ફેકટર ગણાય એટલે એ તો હોયજ!! અને એ પણ મુખ્ય અતિથિ તરીકે !!, સવારે મેળવેલું દહીં લઈને ભગો વાડીએ ઊપડે તે મધરાતે ભજીયાં ખાઈને ભગો ઘરે ઢોલિયા ભેળો થાય.. કોઈ કહે "ભગાભાઈ મને ભજીયાં તો ભાવે પણ બીજા દિવસે ઝાડા થઇ જાય છે'
તો ભગો કહે." ભજીયાં ખાધા પછી તમારે બે કલાક પાણી નહિ પીવાનું".. કોઈ કહે કે "ભજીયાં ખાવાથી મને એસીડીટી થાય છે" તો તરત ભગો બોલે કે "ભજીયાં ખાતી વખતે સાથે થોડી થોડી હિંગ ખાવાની" કોઈને વળી ગેસ થાય તો ભગો કહેતો કે "ભજીયાં સાથે દહીં ખાવાથી ગેસ થતો નથી.. ભગો અને ભજીયાં એ ગામમાં પર્યાય બની ગયેલાં. એક વખત પથુભા ને ઘરે કારજ હતું ને ભગો ભજીયાં બનાવતાં બનાવતાં કહે કે "
"મારું કારજ થાય ત્યારે ખાવામાં ખાલી ભજીયાં જ હશે, એય જાત જાતના ને ભાત ભાતના.. જલસો કરાવી દેવો છે મારા કારજમાં બધાને"
"પણ ભગા તું તારા કારજમાં જીવતો હઈશ??'" ટેમભા બોલ્યા..
" એય બધું થઇ રહે તમે જોજો તો ખરાં દરબાર... ભગવાન પણ ભજિયાનો ભૂખ્યો છે" કહીને ભગાએ ભજિયાનો ઘાણ ઉતાર્યો.....!! સહુ હસવા લાગ્યાં અને ભજીયા ચાખવા લાગ્યા...!! ભગો જયારે જયારે ભજીયા નો ઘાણ કાઢે ત્યારે અડધો ગાઉં તો એની સુગંધ પહોંચી જતી!!
એક દિવસ એવું બનેલું ને કે અષાઢ માસ ચાલે છે, રોન્ઢા ટાણું થયું ને આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ ગયું છે, સાંબેલાધારે વરસાદ શરુ થયો, ભગો ઢોલિયામાં સૂતો સૂતો બોલે છે કે " આવ મહારાજ આવ, ખેડુને રાજી કરી દે બાપલીયા, નવખંડ લીલો કરી નાંખ મારા વાલીડા, આવ મહારાજ આવ"!! આમ બોલીને ભગો મંડ્યો સપના જોવા કે ખેડૂત ખેતરમાં માં વાવણી થાય છે, મરચાંના છોડ દેખાય છે. મેથીના ક્યારા દેખાય છે.. લીલી હળદર અને લીલું આડું દેખાય છે.. સરસ મજાની કોથમીર લહેરાય છે!! લાંબા અને લાલ, ઘોલર ને દેશી, ચપટા ને શેડિયા, એમ ભાત ભાતનાં મરચાં દેખાય છે.. પછી તો વાડી દેખાય, ચણાનો લોટ, સીંગતેલની સુગંધ, એય લીલાં લીલાં લસણ કપાય છે. અને પેલો ઘાણ ભજિયાનો ઉતરે છે ને જ્યા ભગો ભજીયાં ચાખવા જાય છે ત્યાં દેહમાંથી પ્રાણ છૂટી ગયાં!! અને ભગો હળવો ફૂલ થઇ ગયો એવું લાગ્યું!! ભગાના આત્માને લઈને યમદેવ સ્વર્ગમાં પહોંચી ગયાં. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો અને રિપોર્ટ કાર્ડ વાંચી સંભળાવ્યું.
"નામ:- ભગા વશરામ, ઉંમર :- 56 વરસ, ધંધો:- ભજીયાં બનાવવાં, અને જુદી જુદી રસોઈ બનાવવી!! શોખ:- લોકોને ખવરાવવા અને રાજી રહેવું" અધવચ્ચે ધર્મ રાજા એ ચિત્રગુપ્તને અટકાવીને કહ્યું કે " આ ભજીયાં એટલે શું?'"
" અરે એટલીય નથી ખબર તમને'? તઈ શું મોટા ધરમ રાજાનો વેશ પેરીને બેઠા છો!! તમારા ધોળામાં ધૂળ પડી ધરમ રાજા” ભગો બોલ્યો.
"ના મેં તો કદી ભજીયા જોયાય નથી, ખાધા પણ નથી.." ધર્મરાજાએ કીધું ના કીધું ત્યાંતો ભગાએ એનો ઉધડો લઇ લીધો." ભારે કરી તમારો તો ફેરો ખાલી ગયો, ખોટો ધક્કો છે તમારો સરગાપુરીમાં,, ભજીયાં એટલે ભજીયાં,!! શું એનો સ્વાદ,શું એની સુગંધ,શું એની મીઠાશ, ખાતા ધરવ ના થાય એવી વસ્તુ છે ભજીયાં,!! એયને ચણાનો તાજો દળાવેલ લોટ હોય!! એમાં થોડું પાણી નાંખીને એક લીંબુ નીચોવો અને થોડા નાખો ખાવાના સોડા અને રામરસ !! પછી લસણ કાપો ડુંગળી કાપો કોથમીર કાપો મરચા કાપો મેથી કાપો અને આ બધું ઝીણું ઝીણું નાંખો એ લોટમાં અને પછી નાંખો થોડો ગરમ મસાલો અને એક તવીમાં થોડું તેલ લઈને ગરમ કરો અને પછી ધીમે ધીમે ગોળ ગોળ ભજીયા પાડો અને પછી જે એની સુગંધ અને સ્વાદ આવે એની વાત જ ના પૂછો!! અને પછી પેટમાં જે ઓડકાર આવે એ બોલે એ બીજો નહિ કા ભગવાન અને કાં ભજીયાં" આટલું કીધું ને ત્યાં ધર્મરાજા, ચિત્રગુપ્ત,અને બાકીનાં તમામ સ્ટાફને મોઢામાં પાણી આવી ગયું.. "તે ઈ ભજીયાં અહીં ના બને"?? ચિત્રગુપ્તે પૂછ્યું. "બને ને ના શું કામ બને, આ ભગો હોય ન્યાં ભજીયાં બનેજ ચાલો મંગાવો આટલી વસ્તુ" ભગાએ આપેલ યાદી પ્રમાણે વસ્તુ આવી ગઈ અને કલાકમાં તો ભજિયાનો પેલો ઘાણ પડયોને આખા સ્વર્ગમાં ભજિયાની સુગંધ પહોંચી ગઈ, ભગો મંડ્યો ઘાણ ઉપર ઘાણ ઉતારવા અને બાકીનાં મંડ્યા ખાવા, ખજૂરની ચટણી, આંબલીની ચટણી, દહીંની ચટણી સાથે સહુએ સોથ બોલાવી નાંખ્યો, ખાઈને ધર્મરાજા તૃપ્ત થયાં,યમરાજ અને ચિત્રગુપ્ત પણ રાજીના રેડ થઇ ગયા, આવો સ્વાદ એણે જિંદગીમાં પહેલી વાર ચાખ્યો હતો.વળી સાંજે બધાં દેવોને ફેમેલી સાથે બોલાવ્યાં અને ભગાએ બધાને ખુશ કરી દીધાં.
"માંગ માંગ વત્સ માંગે એ આપું" ધર્મરાજાએ ઠેકીને કીધું. " મને બે દિવસ પાછો મોકલો મારા ઘરે,હું બધાને ભજીયાં ખવડાવીને આવું" ભગાએ લાગ જોઈને સોગઠી મારી. "પણ તારા શરીરને તો ત્યાં અગ્નિદાહ અપાઈ ગયો હશેને તો તું કેવી રીતે જઈશ"?
"ના હજુ તો ત્યાં સવારનાં 5 વાગ્યા છે અને કોઈને ખબર નથી. સવારે કોઈક આવે ને ભગાને બોલાવે તો ખબર પડે'" યમરાજા એ કહ્યું. યમરાજા ટાઈમ મેનેજમેન્ટમાં માસ્ટર હતાં.
"તથાસ્તુઃ" ધર્મરાજાએ કહ્યું ને ભગો ઢોલિયામાંથી બેઠો થયો, શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું, અરે આ સપનું હતું કે હકીકત ભગાને કશી જ ખબર ના પડી .. બહાર વરસાદ બંધ જ થયો હતો. ભગાને બધું યાદ આવ્યું. આખી રાત ભગાએ વિચારમાં કાઢી અને પછી મનમાં નક્કી કરી નાંખ્યું કે સપનું હોય તો સપનું કે હકીકત હોય તો હકીકત એ જે હોય તે કાલે મારું જીવતું જગતિયું કરી નાંખવું હવે મોડું નથી કરવું !!
સવાર પડી અને ભગો હળવેકથી ઢોલિયામાંથી ઉભો થયો ગાયને નીરણ નાંખી,વાત્સલ્યથી માથે હાથ ફેરવ્યો,આંખમાં આવેલું આંસુ એણે ઝડપથી લૂછીને તરત એણે નહાવાનું પતાવ્યું. સવારે ભગાએ ગામનાં વડીલોને, આગેવાનોને બોલાવીને વાત કરી કે હું હવે ખર્યું પાન,બે દી નો મેમાન છું, જતાં જતાં બધાને ભજીયાં ખવડાવવા છે, શરૂઆતમાં બધાને ગમ્મત લાગી, અમુકને થયું કે ભગાનું ચસ્કી ગયું લાગે છે, પણ ભગો પોતાની વાત પર અડગ રહ્યો. બીજા દિવસે ગામ ધુમાડો બંધ રાખવાનું નક્કી કર્યું. ભગાએ પોતાની ગાયને છેલ્લી વાર દોહીને એ બધું દૂધ શંકર મંદિરે મોકલાવી દીધું, ને ગાય પૂજારીને આપી દીધી. ભગાએ ગૂણ એક ચણાનો લોટ ડૉયો, અને પછી એક સાથે ત્રણ ત્રણ ચુલે ભજીયાં મંડ્યા ઊતરવા, અને ગામના આબાલ-વૃદ્ધ, સ્ત્રી ,પુરુષો, સૌ હોંશે હોંશે ખાવા માંડ્યા,બપોરે બે વાગ્યા સુધીમાં આખું ગામે ધરાઈ ધરાઈને ભજીયાં ખાધા, આજનો સ્વાદ અલૌકિક હતો. બધાએ ખુબ જ વખાણ કર્યા. છેલ્લે ટેમભા, પથુભા, રાવજી,અને ભીમજી જ વધ્યા, એ લોકો ભગાની સાથે ખાવા બેઠા. ખાતા ખાતા ભગાએ કીધું કે ભીમજી આજ થી આ મકાન તારું, ગામના સાગમટે રસોડા અહીં કરવાના ને ભજીયાં બનાવવાનાં. ભીમજી એ હા ભણી છેલ્લે બધાએ ભગાના આગ્રહથી બે બે ભજીયા અને પછી ભગો એના ઢોલિયા પાસે ગયો, બીજાં બધા એની સાથે જ હતાં ને ભગો ઢોલિયામાં જ ઢળી પડ્યો, પવન નાંખ્યો, ડોકટરને બોલાવ્યાં,તપાસ થઇ. ડોકટરે કીધું કે ભગાએ દેહ છોડી દીધો છે!!